Blogger Widgets અરમાન: February 2014

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Friday, February 14, 2014

બોધકથા: જેવું વાવો એવું ઊગે

       સ્કોટલેન્ડમાં ફ્લેમિંગ નામનો એક સામાન્ય ખેડૂત ખેતી કરીને પોતાનું જીવન નિર્વાહ કરતો હતો. એક વાર સવારના સમયે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે એણે બચાવો, બચાવો એવી બુમો સાંભળી. એ ખેતરની બાજુમાં આવેલા ખાડા તરફ દોડ્યો. તેણે જોયું કે એક નાનો બાળક રોડના કાંઠે આવેલ આ ખાડામાં ફસાઈ ગયો હતો. ફ્લેમિંગે એ બાળકને બચાવ્યો.
       બીજા દિવસે એ બાળકના પિતા ફ્લેમિંગનો આભાર માનવા માટે એના ખેતર પર આવ્યા અને ફ્લેમિંગને કંઇક મદદ જોઈતી હોય તો મદદની તૈયારી બતાવી. ફ્લેમિંગે વિનમ્રતાપૂર્વક ના પાડી અને કહ્યું, મેં જે કંઈ કર્યું છે એ તો માત્ર મારી એક માણસ તરીકેની ફરજ હતી. આ બંને વચ્ચેની વાત ચાલતી હતી એ સમયે ફ્લેમિંગનો નાનો દીકરો રમતો રમતો ત્યાં આવ્યો એટલે પેલા મહાનુભાવે પૂછ્યું, તમારો આ બાળક શું અભ્યાસ કરે છે? ફ્લેમિંગે કહ્યું, શેઠ, અમારા ખેડૂતના દીકરાના નસીબમાં ભણવાનું ના હોય. એ તો મારી સાથે ખેતી કરશે. પેલા મહાનુભાવે કહ્યું, ના, તે મારા દીકરાને બચાવ્યો છે તો હવે હું તારા દીકરાને ભણાવીશ. એ મહાનુભાવ ફ્લેમિંગના દીકરાને ભણાવવા માટે પોતાની સાથે લઇ ગયા.
      વર્ષો વીતી ગયા. બાળપણમાં ખાડામાં પડી ગયેલા જે બાળકને ફ્લેમિંગે બચાવ્યો હતો એ હવે યુવાન થઇ ગયો હતો. પણ એ એની યુવાવસ્થામાં ન્યુમોનિયાના ભયાનક રોગમાં સપડાયો. પરંતુ એ સદનસીબ હતો કે એ જ અરસામાં ન્યુમોનિયાની રસી પેનેસિલિનની શોધ થઇ હતી. આ શોધને કારણે એ યુવાન બચી ગયો. આ યુવાનની જીવાદોરી સમાન પેનેસિલિનની શોધ કરનાર બીજું કોઈ નહિ પરંતુ પેલા ખેડૂત ફ્લેમિંગનો દીકરો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ હતો અને નાનપણમાં ખેડૂતે બચાવેલો અને મોટા થઈને એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બચાવેલો માણસ એટલે વી ફોર વિક્ટરી ના સુત્ર દ્વારા પડી ભાંગેલા બ્રિટનમાં નવી ચેતના ભરનાર વિન્સ્ટન ચર્ચિલ.
      ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યાઘાત સામસામા અને સરખા હોય એ માત્ર ભૌતિકશાસ્ત્ર પૂરતો મર્યાદિત નથી. જીવનમાં પણ લાગુ પડે છે. કંઇક મેળવવું હોય તો પહેલા કંઇક આપતા પણ શીખવું પડે.

Wednesday, February 12, 2014

સંતાનને ભૂલશો નહિ

ભૂલો  ભલે  બીજું  બધું  સંતાનને  ભૂલશો  નહિ,
અગણિત  છે ફરજો મારી  એને  વિસરશો  નહિ.

સંતાનને  ઘડવાની  આજ્ઞા  આપી તમને ઈશ્વરે,
સંતાનના ઘડતરમાં  ખામી કોઈદી રાખશો નહિ.

અવગુણ  તમારી  જિંદગીમાં કેટલાયે  હો   ભલે,
સંતાન આગળ અવગુણોને પ્રગટ કદી કરશો નહિ.

હો ભલે શિક્ષિત, અશિક્ષિત, અલ્પ શિક્ષિત પણ તમે,
સંતાનના  શિક્ષણ  મહીં  પાછા  કદી  પડશો  નહિ.

સ્વામી  હો  કે  ગૃહિણી હો ને  હો પરસ્પર પ્રેમ પણ,
સંતાન  આગળ  પ્રેમની  રેખા  કદી  વટશો   નહિ.

સંસ્કાર   સારા   જિંદગીમાં   હોય   સિંચાયેલ   તો,
સંસ્કારમાં     સિંચવાનું   કદી   વિસરશો   નહિ.

જે   આપશો  તે  પામશો  જેવાં  હશો  તેવાં  થશે,
જેવાં ઘડો તેવાં ઘડાશે એ વાત કદી વિસરશો નહિ.

ગુણમાં  તમારાથી  સવાયા  નામ   તમ  રાખશે,
ઘડપણ  મહીં  થાશે  સહારો  વાત   ભૂલશો નહિ.

સંતાનનું  સુખ  સૌથી  મોટું   દુ:ખ  પણ  સંતાનથી,
શાંતિ   માટે   જીવનમાં   સંતાનને   ભૂલશો   નહિ.

છંદ:- ચારણી

ડુંગરથી, દડતી, ઘાટઊતરતી, પડતી પડતી આખડતી
આવે ઊછળતી, જરા ન ડરતી, હરતી ફરતી મદઝરતી
કિલકારા કરતી, ડગલાં ભરતી, જાય ગરજતી જોરાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
જીય નદી રૂપાળી નખરાળી
આંકડિયાવાળી, વેલ્ય ઘટાળી, વેલડિયાળી વૃખવાળી
અવળા, આંટાળી, જામી જાળી, ભેખડિયાળી ભેવાળી
તેને દઈ તાળી, જાતાં ભાળી, લાખણિયાળી લટકાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
જોગંદ જટાળા, ભૂરી લટાળા, ચાલ છટાળા, ચરચાળા
ડણકે ડાઢાળા, સિંહણ બાળા, દસ હાથાળા, દઈતાળા
મોટા માથાળા, ગ્રજવે ગાળા, હિરણિયાળા હુંકારી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
ગાગડિયાવાળી, મા મમતાળી, ખોડલ માડી ખપરાળી
બેઠી ત્યાં બાળી, કાયમ કાળી, જતન કરાળી, જોરાળી
થાનક લઈ થાળી, નિવેદનવાળી, માનવ આવે સરધાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
ડેડાં ડળવળતાં ઝૂંડ ઝંબૂળતાં, મઘરા ફરતા મોં ફાડી
જળકૂકડા ચરતાં, બતક વિહરતાં, દાદુર ડહતા દિનદાડી
માછલીયું ટોળાં, કરે કિલોળા, બગલાં બોળા બહુ ભારી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
આંબા આંબલીયું, ઉમ ઉંબરીયું, ખેર ખીજડીયું બોરડીયું
કેસુડાં ફળિયું, વા ખાખરિયું, હેમની કળીયું, આવળિયું
પૃથ્વી ઊતરીયું સ્વર્ગીય પરીયું, વેલ્યું વળિયું જળ ઢાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
રાણ્યું કોળંબા લઈ અવળંબા, જુવે જળંબા જળબંબા
કરી કેશ કલંબા, બિખરી લંબા, જે જગદંબા બન અંબા
દાદલ દિલરંગી, છંદ ત્રિભંગી બની ઉમંગી બિરદાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
વર્ષામાં ઘેલી જોમ ભરેલી, નદી નવેલી નવઢાસી
સહુ નદીયું પહેલી, જાતી વહેલી, સાગરઘેલી ચપલાસી
ઠેબે દઈ ઠેલી, હા, હડસેલી, મારગ મેલી ખરતાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
ફળફૂલ ખીલંતા, કોષ કીલંતા, પૂંછ ફીરંતા પચરંગી
થૈ થૈ થનગનતાં, મયૂરા કરતાં, નિત નટખટતાં નવરંગી
ઢેલડીયું ઢુંગા, ચણતી રૂંગા; એવા મૂંગા દૃશ્યવાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
ખળખળતાં ઝરણાં, લીલાં તરણાં, ચરતાં હરણાં, ઠેક ભરે
કંઈ શ્વેત સુવર્ણા, નીલ વરણાં કંકુ ચરણાં ફૂલ કરે
મધુકર ગુંજારં, ભાત અઢારં, બની બહારં બૃદવાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
                                                             — લોક ગીત

એકલતામાં ઝૂરતાં પુસ્તકનું મૌન !



         કબાટના ખાનામાં ઘણાં વર્ષો રહ્યા પછી મને એક હૂંફાળો સ્પર્શ મળ્યો હતો. એ પ્રેમાળ હાથોની આંગળીઓના સ્પર્શથી મારા પાને પાનામાં એક ઝણઝણાટી વ્યાપી ગઈ હતી. ધીમેથી એ હાથોએ મને ટેબલ પર મૂક્યું હતું. મને હાશ થઈ હતી કે ચાલો, મહિનાઓ પછી કોઈ મારી ભીતર પ્રવેશીને મને મનભરીને માણશે.
      હું ટેબલ પાસેની બારીમાંથી બે દિવસ સુધી બહારની દુનિયાને જોતું રહ્યું, અચાનક વાદળોથી ધૂંધળી બની જતી સાંજ, તો કયારેક પૂરબહારમાં ખીલેલાં સૂર્યથી તપતી અગનજવાળા. થોડે દૂર દેખાતા એક વૃક્ષ પર એકમેકની ચાંચમાં પરોવાયેલી પ્રેમમય યુગલ ક્ષણો, તો વળી અચાનક મારી સન્મુખ  ઘૂ....ઘૂ કરતું આવી પડેલું વિરહી કબૂતર. આમ તો, આ બધુ જ મારામાં સમાયેલું હતું પણ હું ક્યાં એને જોઈ શકું? એ તો બધું જ કાળા અક્ષરોમાં હારબંધ ગોઠવાઈને બેઠેલું હતું મારી ભીતર. એને કોઈક સ્પર્શ મળ્યાની ખુશીને બે દિવસ વીતી ગયા. હું ફરી પાછું એકલતાપણું અનુભવવા લાગ્યું હતું.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiyGwGaWVhVWpzgirNuyEEzkUsuDz3cu8TFre2VxL-OSySdGeeraHDyFaRLCYU9imKQ3WD6Q7wJgz5OtMxQCIQyP4ydIgFip8GQ5ZwP-pVSvtB2Q1g4anOLnFRd5-dq9_QCHpOTYbrhODyP/s1600/old+desk1.JPG 

            પણ હું નસીબદાર હતું, એ જ હૂંફાળી આંગળીઓએ હળવેકથી આજે મારા પ્રથમ પાનાને સ્પર્શ કર્યો. એની બે આંખોની અમી દ્રષ્ટિનું સાક્ષી આજે માત્ર હું જ હતું! તે નયનો ધીમે ધીમે મારી ભીતર ખૂંપી રહ્યાનું હું અનુભવી રહ્યું હતું, બીજું, ત્રીજું ......દસમું... એક પછી એક પાનાં પર ફરતી આંગળીઓ મારા અંગે અંગમાં એક સ્ફૂર્તિ લાવી રહી હતી. પણ વીસમાં પાને એક નાનકડો કાગળનો ટૂકડો મૂકીને મને ફરી પાછું ટેબલના ખૂણામાં ધકેલવામાં આવ્યું, હું નિરાશામાં ડૂબી ગયું કે કયાંક ફરી એ જ વિરહની એકાંત ક્ષણો મારા નસીબમાં આવવાની કે શું?
              મારી વ્યથા આ જ રહી છે. મારા બાહ્યરૂપથી લોકો ઘેલા થઈને દોડી આવે છે, મને હોંશે હોંશે પોતાની સાથે લઈ જાય છે. અને પછી કાચના કબાટમાં એ રીતે ગોઠવી દે છે જેમ ફલાવરવાઝમાં ફૂલોને. શહેર મોટું થાય, ભણતર તરફ વધારેને વધારે લોકો જોડતા જાય તેમ મારી દુનિયા પણ વિશાળ બનતી જાય એટલે હું પણ હરખાઉં, શાળાઓ, કોલેજો ને શહેરોમાં પુસ્તકમેળાઓ ભરાય ત્યારે હું વસંતની જેમ ખીલી ઉઠું છું. મારા અનેક સાથી મિત્રોને જોતાં ઈર્ષાથી વ્યથિત પણ બની જાઉં છું, કેમ કે, અનેક હૂંફાળી આંગળીઓના સ્પર્શથી હું વંચિત રહી ગયું તો? હું એવી ક્ષણોની પ્રતીક્ષામાં નિરંતર તડપતું રહું છું. 
              એક અઠવાડિયું વીતી ગયું હતું. હવે મારા પર બીજું એક પુસ્તક ગોઠવાઈ ગયું હતું. મારી આશા અમર હતી, પણ ધીરજમાં લૂણો લાગ્યો હોય તેવું લાગવા માંડ્યુ હતું. રખેને કાલે વળી કોઈ ડિક્ષનરીનો ભાર આવી પડે, ને તેના પછી કદાચ કોઈ એલાર્મ પણ એના ઉપર ગોઠવાઈ જાય! ખેર, એની ચિંતા હમણાં શાને કરવી? હું તો ટેબલના એ ખૂણામાંથીયે પેલી બે અમી નજરને શોધી રહ્યું હતું. થોડા દિવસ પછી હું સફાળું થઈને ધ્રુજી ઊઠયું જયારે મારી બાજુમાં જ એ હાથોમાંથી બીજું એક રંગબેરંગી અને સોહામણું પુસ્તક ટેબલ પર સરક્યું હતું.
              હું ફરી ઉદાસ બન્યું હતું. મારી ભીતર ફરી જાણે એકાંતનું અંધારું છવાવા માંડ્યુ હતું. હું જાણતું હતું કે એ આંગળીઓ હવે આ નવા સાથી તરફ જ વળશે. એને હળવેકથી હાથમાં, ખોળામાં ને વળી કયારેક ઓશિકાની બાજુમાં વહાલના અમી છાંટણા મળશે. અને સાચે જ એના પાનાં પર ધીમે ધીમે ફરી રહેલી નજરનું હું સાક્ષી બન્યું હતું. હું ખૂણામાંથી એ આંખો અને તેની સાથે બદલાતા ચહેરાના ભાવોને એવી રીતે જોઈ રહ્યું હતું જેમ એક મા સ્તનપાન કરતાં બાળકના ચહેરાને જોયા કરે. મારો એકાંતવાસ જાણે ગાયબ થઈ ગયો હતો. એ આંખો અને આંગળીઓ જાણે મારા જ પાનાં પર ફરી રહ્યાં હતા. તળીયે દબાયેલા મારાં અસ્તિત્વને હું કેવી અદભુત રીતે જીવી રહ્યું હતું!? મારી આ અનુભૂતિને કોણ સમજી શકશે? કદાચ ઈશ્વર પણ નહીં. ખરું?!
              ફરી પાછા કેટલાંક દિવસો વીતી ગયા હતા. સાંજના સાત વાગ્યા હતા. એ નવો સાથી પણ હવે એકલો થઈને બારીની બહાર ટગરટગર જોયા કરતો હતો. સાંજે અંધારું થઈ જાય છે અને મારી જેમ એ પણ ટેબલના હૂંફાળા સ્પર્શ સાથે સૂઈ જાય છે. બીજું એક અઠવાડિયું વીતી ગયું હતું, ને એ પણ હવે  મારી બાજુમાં જ ખૂણામાં ધકેલાયું હતું. એની વ્યથા મારા સિવાય બીજું કોણ સમજે? કોઇકે સાચું જ કહ્યું છે ને કે ચાર દિન કી ચાંદની, ફિર અંધેરી રાત. મારા નસીબમાં આમ જ રહેવાનુ. ફરી કોઈ બુક સ્ટૉલમાં કે પુસ્તક મેળામાં, જેના પર આંખો ઠરશે તે હરખાતું અમારી વચ્ચે આવી જ પડશે.
                જીવનની આ ઘટમાળ કેટલી લાંબી રહેશે તે નક્કી નથી હોતું. ક્યારેક પેઢી દર પેઢી સુધી ટકી રહું તો ક્યારેક બે-ચાર દિવસમાં જ પસ્તીના ટેમ્પામાં હડસેલાઈ જાઉં. એ હૂંફાળા સ્પર્શ અને હથેળીનો સ્પર્શ ક્યારે, કેટલો મળે? એ મારા જીવન માટે હમેશાં અનિશ્ચિત જ રહેવાનુ. ભીતર કેવા કેવા સંબંધોને ઉછેરું, કેવી કલ્પનાની રોમાંચક દુનિયાથી મારા અસ્તિત્વને ભરું, પણ તોયે મારી તરફ આકર્ષાયેલા એ હાથ અને આંખો જ્યારે અધવચ્ચે મને તરછોડે છે ત્યારે સાલું લાગી આવે છે...
                જે ટેબલ પર પહેલા હું એક્લુ હતું એ ટેબલ પર મારા અનેક સાથીઓ આવી પડ્યા છે. પહેલા કબાટમાં રહ્યા, પછી બહાર આવ્યા. ટેબલની બાજુએ આવેલી બારીએ જાણે મારી ભીતરની દુનિયામાં ડોકું કરાવ્યાનું પુણ્ય મેળવી લીધું હતું. એ કોમળ હાથોનો પણ એટલો આભાર તો અચૂક માનીશ કે આ બારીને તેમણે મોટેભાગે ખુલ્લી રાખી કે જેથી બહાર જે દેખાતું તેમાનું કેટલુંક મેં મારી અંદર મહેસુસ કર્યું. પણ હા, એમાં ધૂળની રજકણોએ મારા બાહ્ય રૂપને ઝાંખુ જરૂર કરી દીધું હતું.
                બે મહિના ઉપર વીત્યા છે. મારી ધારણા મુજબ હવે મારી ઉપર ડિક્ષનરી અને એલાર્મનો ભાર આવી પડ્યો છે. પણ વીસમાં પાને સચવાયેલી પેલી કાપલી યથાવત છે. મારા પછીના મારા સાથીનું પણ બાવીસમું પાનું વળેલું છે. ડિક્શનરીને કયારેક એ હુફાળોં સ્પર્શ મળે છે. એટલે તેની ઉપરનું એલાર્મ આમથી તેમ અમારી આસપાસ ફરતું રહે છે. કયારેક પેલા કવિની પંક્તિ નદીની રેતમાં રમતું નગર મળે ન મળે... યાદ આવી જાય છે ત્યારે હૈયે ફરી એ હાથ અને નજર મળે ન મળે... ની વેદના છલકાઈ જાય છે, શું એ પણ કોઈકને દેખાશે?! ઈશ્વરને પણ નહીં, ખરુને?!
               આજકાલ લોકોને પુસ્તક ભેટમાં આપવાનું ઘેલું લાગ્યું છે છાશવારે લોકો ભેટ આપવા મને શોધતા આવે છે ત્યારે હું ગભરાવા માંડું છુ! અરે, સાંભળ્યું છે કે હમણાં જ આ શહેરમાં પુસ્તક મેળો પણ યોજાઇ ગયો. ખેર, મારા જેવા કેટલાંય સાથીઓ આનંદ અને ઉલ્લાસથી હૂંફાળા હાથોમાં ગોઠવાઇ તો ગયા હશે...પણ પછી?! એમના નસીબમાં પણ મારી જેમ જ હશે એકાંતનો અંધકાર!! એ જ તડપતી આંખો અને હૂંફાળા સ્પર્શનો ઇંતેઝાર!!
     
    -ડૉ. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન)




આધુનિકતામાં ઓઝલ થતું બાળપણ...

             એક મિત્રએ મને પ્રશ્ન કર્યો, છેલ્લા પાંચ-સાત વર્ષોમાં તમને લોકોમાં કેવું પરિવર્તન દેખાય છે? એ સમયે મારા મનમાં જે વિચાર આવ્યો હતો તે મુજબ મેં કહી દીધું હતું, અ...જન્મદિન, લગ્ન, ઉદઘાટન વગેરે જેવા સામાજિક પ્રસંગોમાં ઘણાં લોકો હવે ફૂલ કે ફૂલોનો ગુલદસ્તો લઈને જાય છે! મારી વાત સાથે મિત્ર સંમત તો થયો હતો પણ સામે બીજો એક પ્રશ્ન મને પૂછી નાંખ્યો હતો. ‘…પણ એમાં સુગંધ તો હોતી નથી, તોયે?! હું ઘડીભર વિચારમાં પડી ગયો હતો, પણ અંત:સ્ફુરણાથી જે જવાબ સૂઝયો તે આવો હતો: હા, એને આધુનિકતાની દ્વિધા સમજી લો!
        એ નવી જાતના હાઇબ્રીડ બિયારણના ફૂલો હતા. જેમાં તેનું બાહ્ય સૌંદર્ય તો નિખર્યું હતું, પણ અંદરની સોડમ ગૂમ થઈ ગઈ હતી. છતાં સત્ય એ છે કે લોકો એવા ફૂલો પાસે વધુને વધુ સંખ્યામાં પહોંચી રહ્યાં છે. આને આધુનિકતાની દ્વિધા જ કહીશું ને? આ સંદર્ભમાં શાળામાં ભણતાં બાળકો વિશે વિચારીએ.

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh5j7U0Z6i644xUwy0ss8wYrq8rryuf_fYOW6vBezTlRStW1ztx6ZVzRAxXWX7ywmgYt_HzdBk4ytoyeTiXD9P5oZH3siWU1qvVRpgCctyVOMBqcZkBhigUQ-ZvsqceCrEvHcejAwV_SU5g/s1600/Childhood.jpg 
        બાળકોના ઉછેરનો મુખ્ય આધાર પરિવાર છે. ભારતીય પરિવારનું પ્રાચીન સ્વરૂપ સયુંક્ત પ્રકારનું હતું. સાથે રહેવું, રમવું, જમવું, ફરવા જવું જેવી ક્રિયાઓમાં ભાવનાત્મક જોડાણ બની રહેતું. જીવનના સુખ-દુ:ખનું શિક્ષણ આપોઆપ એમને મળી રહેતું. એકબીજાની જવાબદારીઓ સમજવાની, ઉઠાવવાની અને શીખવવાની પ્રવૃત્તિ બહુ સાહજિક રીતે થતી હતી. દાદા-દાદીની વાર્તાઓ બાળકોના જીવનની ચોપડી ગણાતી અને તેમાંથી જીવન મૂલ્યોની સુગંધ બાળકોમાં સંસ્કરિત થતી હતી.
        હા, એ ખરું કે તે સમયે સ્ત્રીઓના વિકાસની તકો ભાગ્યે જ  તેમના નસીબમાં આવતી. આર્થિક-સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે આવેલા પરિવર્તને સ્ત્રીઓની સ્વતંત્રતાને પાંખો તો આપી પણ બાળકોની સુગંધને ઉડાડી દીધી છે. સયુંક્ત પ્રથા લુપ્ત થઈ રહી છે, દાદા-દાદીની વાર્તાઓ પણ હવે જુનવાણી અને બકવાસ ગણાઈ રહી છે. મા-બાપ બંને ભણીને નોકરીમાં વ્યસ્ત થઈ રહ્યાં છે, કેમ કે, હવે એકલે હાથે ઘણીબધી(!?) જવાબદારીઓ ઉઠાવવાની નોબત આવી છે.
        હવે, બાળકોની શક્તિઓને આકાશ આપવાની વાત તો ઠીક આંગણું આપવાની પણ ફૂરસદ નથી. ઘરના લોકો સાથેના વ્યવહારમાંથી બાળકો જે સંસ્કાર, કેળવણી પામતા હતાં તે હવે મર્યાદિત માણસોમાં સીમિત થઈ ગયા છે. અરે કેટલાક પરિવારમાં તો બધા સભ્યો ચોવીસ કલાકમાં માંડ બે-ત્રણ કલાક એક સાથે જોવા મળે છે! વિકાસની આડ અસર કહો કે સ્વયંમાં સીમિત થઈ જવાની પ્રવૃત્તિ ગણો, માતા-પિતાઓ હવે પોતાની દુનિયાને જ નવા નવા સ્વપ્ના, સંબંધો, અને પ્રવૃત્તિઓથી એટલી વ્યસ્ત બનાવવા માંડ્યા છે કે પોતાના સંતાનની દુનિયામાં તેઓને ઝાઝો રસ નથી. ઊલટું, પોતે જે ન કરી શક્યા તે તેમના બાળકો પૂર્ણ કરી દે તેવી ઊંચી ઊંચી અપેક્ષાઓના મહેલો રચી રહ્યાં છે. કુટુંબનું આધુનિક સ્વરૂપ બાળપણને કેળવવામાં અસમર્થ બની રહ્યું જણાય છે, કેમ કે એકબીજાને જોડનારી લાગણીની દોરી પણ કાચા વણાટવાળી બની રહી છે. (કાચી દોરીમાં ગાંઠ વધે, ખરું ને?!) શાળાઓ અને શિક્ષકોને માથે જાણે કપરો કાળ આવ્યો છે!
        આજકાલના બાળકો પોતાની જિજ્ઞાસાઓમાં પાછળ નથી, પણ એને સંતોષનારા જવાબો તેમને મળતા નથી. તેમણે ખેતરો કે વાડાઓ જોયા નથી એટલે પનીર ક્યાંથી આવે? એવા પ્રશ્નનો તેમનો ઉત્તર હોય છે ખેતરોમાંથી. કેમ કે, તે ખાવાની વાનગી છે!! તેઓ હવે રજાના દિવસે મામાના ઘરે જતા નથી, શોપિંગ મોલ્સમાં વધુ જાય છે. તેઓ હાઈ-ફાઈ શાળાઓમાં ભણે તો ગામડાઓના બાળકોના સંઘર્ષને ક્યાંથી જાણે? રૉબોટ અને કારના આધુનિક રમકડાઓએ તેમના જીવનમાં સાદા-સરળ જીવનની ખુશીને આવવા જ નથી દીધી. વિડંબણા એ છે  કે બીજી તરફ આનાથીયે બદતર હાલત અને અભાવમાં ઉછરી રહેલાં બાળકો, જેમની પાસે કુટુંબ છે પણ તેના સભ્યો પાસે સમય નથી. કેમ કે, જરૂરિયાતોની પૂર્તિમાં જ તેમની જિંદગી સમાપ્ત થઈ જાય છે.              
        આધુનિકતાના ઓછાયામાં આજે બાળપણ આધુનિક બન્યું છે. હવે તે તોતડાતું ડા...દા બોલે તેની કરતાં અંગ્રેજીમાં અંકલ બોલે તે આપણને વધુ વહાલું લાગે છે. પહેલા પાંચ-છ વર્ષ સુધી માતા-પિતા સાથે સૂઈ જતું બાળક હવે નર્સરીથી જ  અલગ રૂમમાં સૂઈ જાય તેવી વ્યવસ્થામાં આપણે પડી ગયા છીએ, નહિ? નદી, તળાવમાં નહાવાને હવે આપણે બિનઆરોગ્યપ્રદ ગણીને તેને કોઈ હોટેલ કે સ્વિમીંગ પૂલમાં મોકલી રહ્યા છીએ. બાળકોને દર વર્ષે શહેરમાં યોજાતા રામલીલા મહોત્સવને જોવા લઈ જવાનો હવે આપણી પાસે સમય નથી એટલે સંજય લીલા ભણશાળીની રામલીલા બતાવી દઈએ છીએ! કામ પત્યું!! બાળકોના શરીર-મનની પાયાની આવડતો કેળવવાને બદલે આપણે તેને લિટલ ચેમ્પ ! બનાવવાની હોડમાં ઉતારી રહ્યા છીએ.
        પરિવર્તનો હંમેશા પોતાની સાથે સારા અને નરસા પાસા લઈને આવે છે. પણ આપણે પોતાની ખુશી જાળવવામાં બાળકોને એકલા છોડી દેવાનો ખતરનાક રસ્તો અપનાવવા માંડ્યા છીએ. ભાઈ-બહેનની લડાઈને બેસીને ઉકેલવાને બદલે આપણે એકને ટી.વી. અને બીજાને મોબાઈલ આપીને બેસાડી દીધા. જ્યારે બાળકોએ બાગ-બગીચામાં લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે આપણે તેને શોપિંગ મોલમાં લઈ જવાનો વાયદો કર્યો. રાત્રે વાર્તા કે ગીત સાંભળવાની તેઓની ઈચ્છા પર તેને આઇપેડનું ઇયરફોન કાનમાં લગાડીને આપણે પાણી ફેરવી દીધું! હવે તમે જ વિચારો બાળકોના બાળપણને કોણે છીનવ્યું, ટેક્નોલૉજીએ કે આપણી અસમર્થતા કે સ્વાર્થે?!
        બાળકોની નવી પેઢી G છે. એ ગિલ્લી-દંડા કે ભમરડાવાળી નથી જ. અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશોના બાળકો પર મીડિયા અને ટેક્નોલોજીનો જે પ્રભાવ છે તેને અંદાજિત આંકડામાં રજૂ કરું તો 42  ટકા બાળકોના રૂમમાં ટી.વી. છે, 29 ટકા પાસે ડી.વી.ડી પ્લેયર અને 11 ટકા પાસે વીડિયો ગેમ્સ છે. એક-બે વર્ષનું બાળક પણ રોજની સરેરાશ 53 મિનિટ ટી.વી. જુએ છે! પણ AVG નામની ઇન્ટરનેટ સુરક્ષા કંપનીએ કરેલું સર્વે ચોંકાવનારું છે. તે સર્વે મુજબ જે બાળકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે તેમાનાં મોટાભાગના બૂટની દોરી બાંધવામાં અસફળ રહ્યાં હતા! નવી પેઢી વાંચનથી દૂર થઈ રહી છે એટલે તેની એકાગ્રતા અને કલ્પનાશક્તિ પણ બુઠ્ઠી બની રહી છે.
        વડીલોએ જ આધુનિકતાની વ્યાખ્યા સમજવામાં ગરબડ કરી છે એટલે શું થાય? આ પ્રશ્નનો ઉત્તર એક લેખિકાએ આમ આપ્યો છે, વાંચો. ‘…આપણી પાસે બાળકોને આપવા જેવા સંબંધો ક્યાં છે? સ્કૂલ, હોબી ક્લાસ, જીમ, અને ટ્યુશન ક્લાસની દોદધામમાં એ ગલી-મહોલ્લામાં ક્યારે અને કોની સાથે વાતો કરે? પણ બાળપણની એ ખાસિયત છે કે તેણે દુ:ખમાં જીવવું હોતું નથી. એટલે એ તો સુખને 32 ઈંચના ટી.વી.ના પડદા પરના કાર્ટૂન કે છોટા ભીમમાં, નોટપેડના 18 ઈંચના પડદા પરના ફેસબૂકમાં, કે મોબાઇલના 9 ઈંચના પડદા પરના વોટ્સઅપ પરની મિત્રોની ગોઠડીમાં શોધી કાઢશે...
        આધુનિકતામાં ભારતીય બાળપણ સાચે જ વિકસી રહ્યું છે કે કરમાઇ રહ્યું છે? વિચારો કે બાળપણને ખીલવવાનો તમારી પાસે આનાથી વધારે સારો વિકલ્પ છે વાલી અને વાચક મિત્રો?

                                                                                                      -ડૉ. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન)
 

અબ્રાહમ લિંકને તેના પુત્રને સ્કૂલમાં મૂક્યો ત્યારે આચાર્યશ્રી ને કરેલી ભલામણો

આદરણીય શિક્ષકશ્રી,
       હું જાણું છુ કે તેને શીખવવું પડશે કે બધા માણસો ન્યાયપૂર્વક વર્તતા નથી અને ઘણા બધા માણસો સાચા હોતા પણ નથી. એને એ શીખવજો કે સમાજમાં જેમ લુચ્ચા અને સ્વાર્થી માણસો હોય છે એમ સારા માણસો પણ હોય છે. તેવી જ રીતે સમર્પણની ભાવનાવાળા આગેવાનો પણ હોય છે. એને એ પણ શીખવજો કે દુશ્મન હોય છે તો સાથે સાથે સારા મિત્રો પણ હોય છે. હું જાણું છુ કે આપને આ  શીખવતા સમય લાગશે પણ બની શકે તો શીખવજો કે સાચી રીતે કમાયેલો ડોલર મફતમાં મળેલા પાંચ ડોલર કરતા અનેક ગણો કીંમતી છે અને ખેલદિલીથી હારતા શીખવજો અને જીતવાનો આનંદ માણવાનું પણ શીખવજો.  એને અત્યારથી જ બોધ આપશો કે ગુંડાઓને મહાત કરવા એ સહેલું છે. તમારાથી બની શકે તો તેને પુસ્તકોની આ દુનિયામાં  તેને સમજ આપજો. એને થોડોક નિરાંતનો સમય પણ આપજો કે જેથી તે શાંતિથી એકલો બેસીને આકાશમાં ઉડતા પક્ષીઓ, સૂર્યના પ્રકાશમાં ગણગણતી મધમાખીઓ અને સુંદર લીલીછમ ટેકરીઓ ઉપર ઉગેલા અનુપમ પુષ્પોનું  શાશ્વત રહસ્ય શોધવાનો આનંદ માણી  શકે. શાળામાં એને એટલું જરૂર શીખવજો કે પરીક્ષામાં ચોરી કરી પાસ થવું એના કરતા નાપાસ થવું એ ઘણું વધારે માનભર્યું છે. બીજા બધા એના વિચારો ખોટા છે એમ કહે તો પણ જો એ ખરેખર માનતો હોય કે એના વિચારો ખરા છે, તો એમાં શ્રધ્ધા રાખી એને સારા માણસો સાથે આકરી રીતે વર્તવાનું શીખવજો. મારા પુત્રમાં એ શક્તિ પણ હોય કે જો બધા જ જયારે પવન પ્રમાણે બદલાતા હોય ત્યારે તે ટોળાને અનુસરવા ને બદલે તે એકલ વીર બની શકે. એને બધાની વાત શાંતિથી સાંભળવાની ટેવ પાડજો, પણ એ શીખવજો કે તેમાંથી સત્યની ચાળણીમાંથી ચાળીને સારું હોય તે જ ગ્રહણ કરે. તમારાથી બને તો તેને દુ:ખ માં પણ હસતા શીખવજો, એને એ પણ સમજાવજો કે આંસુ પાડવામાં કોઈ શરમ નથી. વક્રદૃષ્ટિવાળા  માણસને તરછોડવાનું અને ખુશામતિયાઓથી ચેતવવાનું પણ શીખવજો, એને પોતાની બુદ્ધિ અને શક્તિની વધારેમાં વધારે કીમત ઉપજાવતા શીખવાડજો, પણ પોતાના આત્મા અને હૃદયને પૈસા માટે વેચી ન દે તેવું પણ શીખવજો. ટોળાની બુમોથી ઝુકી ન પડે અને તે સાચો છે એમ માનતો હોય તો અડગ ઉભો રહી લડત આપે તેવું શીખવાડજો. એને પ્રેમથી સાંભળજો પણ વધુ પડતા લાડ લડાવી બગાડશો નહિ, કારણ કે અગ્નિમાંથી તપીને જ લોખંડ પોલાદ બને છે. એને અસહિષ્ણુ બનવાની હિમત આપજો. અને તેનામાં શક્તિશાળી બનવાની ધીરજ પણ કેળવજો. પોતાની જીતમાં અડગ વિશ્વાસ રાખતા પણ શીખવજો કારણ કે તેથી જ માનવજાતમાં એને અડગ વિશ્વાસ આવશે. હું જાણું છુ કે આ બધું જ શીખવવું અતિશય મૂશકેલ છે, પણ હું આપને વિનંતી કરું છુ કે તમારાથી આ અંગે જે પણ કંઈ કરી શકાય તે જરૂર કરજો.
                                                                                     -અબ્રાહમ લિંકન